ઈતિહાસ

શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર ઈતિહાસ

માધાપર, કચ્છ - ગુજરાત

શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપરનો ઈતિહાસ

ભુજીયા ડુંગરની તળેટીમાં પાટ નદીને કાંઠે માધાપર ગામનું મંડાણ કોઇ એવાં શુભ ચોઘડિયે થયું હશે કે, આ ગામ સ્થાપનાથી માંડીને આજ દિન સુધી ઉત્તરોતર પ્રગતિ જ કરતું રહ્યું છે. સામાન્ય રીતે એવું મનાય છે કે, દરેકનો એક દાયકો હોય છે. આ ગામ માટે એ માન્યતા ખોટી સાબિત થઇ છે, પૃથ્વીના ગોળા પર આ ગામ 23.140 ઉત્તર અક્ષાંશ ને 69.270 પૂર્વ રેખાંશ પર અસ્તિત્વ ધરાવે છે.

સં. 1530 એટલે કે, સને. 1474માં કચ્છના રા હમીરની વારમાં (સમયમાં) કચ્છના ધાણેટી ગામેથી આવીને માધા કાના સોલંકી (માધવજી કાનજી સોલંકી)એ ગોખરૂ બુવાર જમીન પર પ્રથમ તોરણ બાંધેલ જેથી તેમનાં નામ ઉપરથી ગામનું નામ માધાપર પડેલ છે. તોરણ કોઇ શુકનવંતા હાથે સમયે બંધાયું કે, કચ્છમાં આજે આ ગામ એક વિકાસશીલ અને સુખી-સમૃદ્ધ ગામ તરીકે પ્રતિષ્ઠા પામેલ છે. ઇશ્વરની કૃપા છે કે, સને 2001 ના મહાભૂકંપમાં ખાસ કોઇ નુકશાન કે જાનહાનિ નથી થઇ.

માધાપર ગામ કચ્છની રાજધાની ભુજનગર જે સં. 1605માં વસેલ તેનાથી પહેલાં વસ્યું. માધાપર ગામ 535 વર્ષ પુરાણું એક ઐતિહાસિક ગામ છે. રાજધાનીની પાસે હોઇને વિકાસની ગતિ અન્ય ગામો કરતાં હંમેશા તેજ રહી છે.

આ ગામના વસવાટની પ્રથમ ડેલી જુનાવાસમાં છે કે, જ્યાં સોલંકી વંશનાં કુલદેવી શ્રી મોમાય માતાજીનું મંદિર આવેલ છે. કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજમાં કચ્છમાં 18 ગામોમાં માધાપર ગામ એક વિશિષ્ટ ગામ તરીકે આગળ આવેલ છે. ગામની સ્થાપના વિષેની માહિતી સોલંકી વંશના વહીવંચા બારોટના ચોપડા-વંશાવલી આધારે મેળવેલ છે. જે પ્રમાણભૂત છે.

ગામના નામકરણ વિષે અગાઉ ખોટી માહિતી છપાયેલી જોવામાં આવેલ જેમાં કચ્છના રાજવી માધુભા સાહેબ (મહારાઓશ્રી વિજયરાજજી) ના નામ પરથી માધાપર ગામનું નામ પડેલાનું જણાવેલ છે જે તદન ખોટું છે કારણ કે, માધુભા સાહેબનું શાસન સને 1942 થી 1948 દરમ્યાન કચ્છમાં હતું. એટલું ખરૂ કે, કચ્છ રાજમાં આ ગામ મહારાણી ગંગાબાસાહેબને કાપડામાં આપેલ હોઇને ગામની આવક યુવરાજના ખીસ્સાખર્ચ માટે વપરાતી જેથી કચ્છમાં બીજા ગામોમાં આવક રેવેન્યુ દફતરથી આ ગામનો હિસાબ કિતાબ જુદો રાખવામાં આવતો હતો જેથી માધાપર ગામનું રેવેન્યુ દફતર આજ પણ જુદું સચવાયેલ મળે છે.

આ ગામ મીસ્ત્રીનાં (કચ્છ ગુર્જર ક્ષત્રિય) ગામ તરીકે ઓળખાતું રહ્યું છે. સૌ પ્રથમ સોલંકી પરિવારના આગમન સાથે કેટલાક અન્ય પરિવારો પણ ધાણેટીથી આવેલા હોવાં જોઇએ. સ્થળાંતર કરવાની સાથે સમૂહમાં પોતાનાં કુળદેવીને પણ સાથે લઇ જવાની પરંપરા રહી હોવી જોઇએ. આ રીતે માધાપર ગામે સોલંકીના કુળદેવી સ્થાનક ઉપરાંત અન્ય કેટલીક અટકોમાં રાઠોડ, ટાંક, વેગડનાં કુળદેવીઓનાં સ્થાનક પણ પ્રાચીન છે. આ સિવાયની અન્ય વિવિધ અટકોના ભાઇઓ પણ કાંળાંતરે આ ગામે આવી વસવાટ કરતા રહ્યા છે.

આપણા સમાજના ભાઇઓનો પ્રાચીનકાળથી મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન રહ્યો છે. તેમાં પણ આકાશી ખેતી જ થતી. ફુરસદના સમયમાં રોજીરોટી માટે બાંધકામનો વ્યવસાય અપનાવેલ કહેવાય છે કે કચ્છની રાજધાની ભુજનગરના સંરક્ષણ માટે ભુજિયા ડુંગર સં. 1769માં બાંધકામ થયું તેમાં માધાપરના આપણા સમાજના ભાઇબહેનોએ પણ કામ કરેલું. ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલું માધાપર ગામ ભુજિયા ડુંગર કિલ્લાને કારણે વધુ શોભે છે. કિલ્લા પર થયેલ યુદ્ધ પણ આ ગામના લોકોએ નિહાળ્યું હશે જ. મહારાઓશ્રી લખપતજીના સમયમાં જે અદ્વિતિય આયના મહેલ બનાવેલ જેમાં કચ્છી કલાના જનક સમાન રામસિંહ માલમે તે સમયમાં માંડવીના દરિયા કિનારાની રેતીમાંથી કાચ બનાવવાનું કારખાનું માધાપર ગામમાં નાખેલ અને તેમાં બનેલ રંગબેરંગી કાચનો ઉપયોગ આયના મહેલમાં કરાયેલ હોવાનું કેટલાક ઇતિહાસ લેખકોએ નોંધેલ છે. જેથી રામસિંહ માલમ માધાપર ખાતે રહેલ હોવાનું જણાય છે.

સામાજિક, ધાર્મિક પરંપરા મુજબ કોઇ પણ ગામના ઝાંપે શિવમંદિરો મુખ્યત્વે જોવા મળે છે. એ રેતી જોઇએ તો માધાપરના જુનાવાસ ચોકમાં ઠાકર મંદિર તથા પાસે શિવમંદિર આવેલ છે. તેનાથ થોડે દુર નાનકડી શિવમંદિરની ડેરી છે જે હાલમાં પણ પૂજાય છે. આ નાની ડેરી પ્રાચીન ને સૌ પ્રથમ હોવી જોઇએ. સમયાંતરે સમારકામ પણ થતાં રહ્યાં હશે. તેનાથી આગળ એક કંડાનું અતિ પ્રાચીન વૃક્ષ છે કહેવાય છે કે, આ વૃક્ષ એ ગામના ઝાંપામાં હતું તેનાથી આગળ વસ્તી ન હતી પાછળથી ગામમાં વસ્તી વધતાં આગળ રાજાશાહીના સમયમાં ગામનો પાકો ઝાંપો-ગેટ પત્થરનો ચણાયેલ હતો જે ગામની ઉતરાદે તમેજ દક્ષિણ છેડે પણ હતો. સમયાંતરે જીર્ણ થતાં તેનું અસ્તિત્વ મટી ગયું. કંડા પાસે કચ્છ રાજ તરફથી ધ્રુની કચેરી તથા રહેઠાણનું મકાન બાદમાં બનેલ (હાલની પંચાયત ઓફીસ).

ઉપરોક્ત નાની ડેરી બાદ ઠાકરમંદિરની સ્થાપના ઘણા લાંબા સમય બાદ થઇ હો. આ મંદિરમાં પરંપરાગત મોટું મંદિર તેની પાસે જ તેનાથી નાનું શિવમંદિર વસ્તી વધતાં બનાવવામાં આવ્યું હશે. ઠાકરમંદિરમાં આરસપહાણની કલાત્મક રંગબેરંગી લાદીઓ-નકશી આકર્ષક રહી છે. રાધા-કૃષ્ણની મૂર્તિ પણ મનમોહનક છે. આમ મંદિરોનો પણ ક્રમિક વિકાસ થતો રહ્યો છે. આ મંદિરનો પાટોત્સવ આજ પણ પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. આ મંદિરો ગામની ધાર્મિક તેમજ સામાજિક અસ્મિતાનાં સંસ્કારધામ બની રહ્યાં.

આપણા સમાજ બાંધવોએ ખેતી સાથે બાંધકામ વ્યવસાય કરવાની સાથે તેમાં કુશલતા મેળવી લેતાં ભારતમાં અંગ્રેજી શાસનમાં સૌ પ્રથમ રેલવે નાખવાનું શરૂ થતાં એ ક્ષેત્રમાં ઝંપલાવેલ, દૂર દૂર અજાણ્યા પ્રદેશમાં દરિયો ખેડીને પોતાનું ગામ છોડી નસીબ અજમાવવા નીકળી પડ્યા. જેમાં સખત મહેનત, સાથે નીતિને નિષ્ઠાથી કાર્ય કરતાં કુશળતા મેળવવાની સાથે શ્રી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી. આ નૂતન પ્રવાહમાં માધાપરના ભાઇઓ પણ આગળ વધવા રેલ્વેનાં કામોના કોન્ટ્રાક્ટ લઇ ધનસંપતિ સાથે પ્રતિષ્ઠા પણ મેળવી. ધનસંપતિનો પરમાર્થ કાર્યમાં વાપરવામાં પોતાના ગામ વતનને કદી ભૂલ્યા નહોતા.

ભારતીય રેલવેનું મોટાભાગનું સૌ પ્રથમ વિસ્તરણ આપણા સમાજે કર્યું છે. ત્યારે રેલવેમાં માધાપર ગામના રેલવે કોન્ટ્રાક્ટર તરીકે નારાણ પ્રેમજી વરૂનું નામ લેવાય છે. સમાજના સૌ પ્રથમ રેલવે કોન્ટ્રાક્ટર વિશ્રામ કરમણ ચાવડાની સાથે કચ્છ રાજ તરફથી સૌ પ્રથમ ભુજની અંજાર 35 માઇલની રેલવે લાઇન નાખવાનું કાર્ય કરેલ. કચ્છ રાજ સાથે નારણભાઇને ખુબજ ગાઢ સબંધ હોઇ સમાજ બાંધવોને પણ સહાયરૂપ થતા.

માધાપરના વિકાસમાં સહયોગ આપનારા સમાજના મહાનુભાવોને આજ પણ લોકો યાદ કરે છે. જેમણે ગામની વિવિધ પ્રવૃતિઓને વેગ આપવા માટે તન, મન, ધનથી સહાય કરી છે.

જગાસર તળાવઃ- માધાપર ગામનું ન્હાવાધોવા માટેનું તળાવ જે જગાસર તરીકે ઓળખાય છે જે દાનવીર જગમાલભાઇ ભીમજી રાઠોડે બંધાવી આપેલ. જગમાલભાઇ આપણા 18 ગામોના ગ્રામજનોને જાહેર આમંત્રણ આપીને ઐતિહાસિક નાતેડું (નાત તેડું) કરેલ જેમાં આવનાર દરેક કુટુંબને ત્રાંબાની હેલની લ્હાણી કરી ધુઆબંધ જમણવાર કરીને માધાપર ગામને પણ ગૌરવ પ્રતિષ્ઠા અપાવેલી. લગ્નપ્રસંગનું સમાજમાં આ એક અને પ્રથમ નાતેડું હતું.

ઉપર